અમૂલ્ય સામયિકોનો સંગ્રહ
અહીં ગુજરાતભરમાં એકમાત્ર કહી શકાય એવું, સામયિકોનું વિશિષ્ટ પુસ્તકાલય છે, જેમાં વિવિધ
વિષયનાં સાડા ત્રણસો સામયિકોનાં કુલ મળીને છવ્વીસેક હજાર જેટલાં અંકો સચવાયેલાં છે.
અહીં તે બાઈન્ડિંગ કરીને ક્રમવાર, ભાષાવાર, વિષયવાર સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે,
જેનો ઉપયોગ જિજ્ઞાસુઓ કે સંશોધકો કરી શકે છે.
ગુજરાતના સ્વનામધન્ય સાહિત્યકારો પોતાના અંગત સંગ્રહનાં સામાયિકો અહીં મોકલી રહ્યા છે,
જેમાં કવિ વિનોદ જોશી (ભાવનગર), કવિ જયદેવ શુક્લ (સાવલી), નાગરિક ધર્મચિંતક
પ્રકાશ ન. શાહ (અમદાવાદ), વિવેચક શિરીષ પંચાલ (વડોદરા), તત્વજ્ઞ પ્રબોધ પરીખ
(મુંબઈ), સાહિત્યપ્રેમી એડવોકેટ મયુર દુલેરાય પંડ્યા (અમદાવાદ) જેવા અનેકોના સંગ્રહ
સામેલ છે, અને હજી બીજા ઘણા આવી રહ્યા છે. આ ઉપરાંત ઝવેરચંદ મેઘાણીના પરિવાર
તરફથી મેઘાણીની અનેક હસ્તપ્રતો પણ અહીં સુપરત કરવામાં આવી છે. આ રાષ્ટ્રીય શાયરે
લખેલી કવિતાઓ, ટાંચણપોથી, ભાષણ માટેની નોંધ, મુલાકાતો, કથાઓ સહિત અનેક
સર્જનોને તેમનાં હસ્તાક્ષરમાં જોવાનો રોમાંચ અહીં સચવાયો છે.
અમદાવાદના સંગ્રાહક પ્રદીપ ત્રિવેદીએ દોઢસો જેટલાં દેશોનાં ૫૦૦૦ જેટલા મહત્વનાં અખબારોમાં વિશ્વની
વિક્રમી ઘટનાઓ વિવિધ અખબારોના મથાળે શી રીતે ચમકી છે, એ ધ્યાનમાં રાખીને તેઓ સાડા ચાર
દાયકાથી આ જે સંગ્રહ કરતા આવ્યા છે, તે તમામની જાળવણી ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં થઈ રહી છે.
સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને તેમના માટેનાં પુસ્તકોનો
અલાયદો વિભાગ તેમજ વાચનખંડ પણ અહીં છે. જેથી અત્યંત શાંત વાતાવરણમાં અભ્યાસ
માટે વિદ્યાર્થી પોતાની કારકિર્દી માટેની મહત્વની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે.
આ રીતે ‘ગોવર્ધનરામ સ્મૃતિ મંદિર’ વાચકો, અભ્યાસીઓ, રસિકો, જીજ્ઞાસુ, પ્રવાસીઓ અને
વિદ્યાર્થીઓ માટે ઉપયોગી-આકર્ષક તીર્થધામ બન્યું છે.