Home Visitors Contact Us Virtual Tour Audio Guide

ચેતનવંતું સાહિત્યતીર્થ

પોતાની ભૂમિમાં થઈ ગયેલા સાક્ષરોની સ્મૃતિઓ જાળવવાની સૂઝ વિશ્વભરની પ્રજાઓમાં જોવા મળે છે. ઈન્‍ગ્લેન્ડના સ્ટ્રેટફર્ડ અપોન એવનમાં આવેલું શેક્સપિયરનું નિવાસસ્થાન, લંડનનું કવિ જહોન કીટ્સનું રહેઠાણ, અમેરિકાના કેમ્ડેનમાં આવેલું કવિ વૉલ્ટ વ્હીટમેનનું મકાન, ચીલીના લા સેબાસ્ટિઆનામાં આવેલું કવિ પાબ્લો નેરુદાનું ઘર, દુબઈમાંનો કવિ અલ ઓકૈલીનો આવાસ વગેરે આનાં સૌથી પ્રચલિત ઉદાહરણો છે. ભારતમાં આ પ્રથા ખાસ પ્રચલિત નથી, છતાં દિલ્હીની મિર્ઝા ગાલીબની હવેલી, કૌસાનીનું સુમિત્રાનંદન પંત સંગ્રહાલય જેવા કેટલાક સુખદ અપવાદ જોઈ શકાય છે.

ગુજરાતમાં વિવિધ સાહિત્યકારોનાં પૂતળાં, તેમના નામના માર્ગ કે ચોક વગેરે જોવા મળે છે ખરા, પણ કોઈ સાહિત્યકારના નિવાસસ્થાનને સંગ્રહાલય તેમજ જીવંત સ્મારકમાં તબદીલ કરાયું હોય, વળી તે સાંપ્રત પ્રવાહોની સાથે કળા અને જ્ઞાનવિજ્ઞાનના ક્ષેત્રે ધમધમતું હોય, એવું એક માત્ર સ્થળ હોય તો કદાચ તે છે નડિયાદમાં આવેલું વિખ્યાત સાહિત્યકાર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનું આ નિવાસસ્થાન સ્મારક. આ મકાનમાં તેમણે જીવનનો મહત્ત્વનો સમયગાળો વીતાવ્યો હતો, વળી પોતાની યશોદાયી કૃતિ ‘સરસ્વતીચંદ્ર’નો ચોથો ખંડ તેમણે પોતાના આ નિવાસ દરમિયાન લખ્યો હતો.

આ રીતે સાહિત્ય અને કળાના વિવિધ આયામોથી સજ્જ આ સ્મારકમાં કેવળ એક સાહિત્યકારના સાહિત્યની જ નહીં, તેના પારિવારિક અને સામાજિક જીવનની અને એ સમયના સમાજજીવનની એક જીવંત ઝાંખી મળે છે. આ ઈમારતમાં દોઢસો-પોણા બસો વરસ પુરાણા કાળખંડની ઝલક ઉભી થાય છે. એ સમયની બાંધણી ત્યારનું રાચરચીલું, તસવીરો, ભીંતકબાટો, ગોવર્ધનરામની કલમ, કિત્તા અને શાહીદાન, હસ્તપ્રતો અહીં મોજૂદ છે. હીંચકે બિરાજમાન ગોવર્ધનરામનું આદમકદનું પૂતળું જાણે કે આ માહોલને જીવંત બનાવે છે. અહીં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના અઢળક વિદ્યાર્થીઓ અને અનેક સાહિત્યપ્રેમી મુલાકાતીઓનો પ્રવાહ હીંચકે ઝુલતા ગોવર્ધનરામ સાથે સેલ્ફીના આકર્ષણથી વધતો ચાલ્યો છે. મુલાકાતીઓના રસસંવર્ધન માટે અહીં ઊભી કરાયેલી ઑડિયો ગાઈડની આધુનિક સુવિધા સ્મારકનું મહત્વ અને પ્રસ્તુતા સમજવામા મદદરુપ બને છે. આ રીતે આપણાં એક મોટા ગજાનાં સર્જક અને ચિંતકના નિમિત્તે ગુજરાતની સમાજ, સંસ્કૃતિ અને અસ્મિતાનો ભૂત, વર્તમાન અને ભવિષ્યનો અનોખો ત્રિવેણીસંગમ આ સ્થળે રચાયો છે.

Click on a photo for expanded view

Image 1 Image 2 Image 3 Image 3 Image 3 Image 3 Image 3 Image 3 Image 3 Image 3 Image 3 Image 3