નિવાસસ્થાન બન્યું સ્મૃતિમંદિર
ઈ.સ. ૧૮૮૫માં ગોવર્ધનરામ જીવનના અંતિમ તબક્કામાં મુંબઈની વકીલાતનો ધીકતો વ્યવસાય
છોડી વતન નડિયાદ આવ્યા અને પૈતૃક મકાનમાં વસ્યા. આર્થિક ભીંસ ઊભી થતાં તેમણે આ
મકાન ગીરવે મૂકવું પડ્યું, જે તેમના અવસાન પછી પણ એ જ સ્થિતિમાં રહ્યું. ૧૯૫૬ની ૧૦મી
જાન્યુઆરીએ દીવાન બહાદુર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીના પ્રમુખપદે મુંબઇમાં ગોવર્ધનરામ
શતાબ્દીની ઉજવણી અંતર્ગત ‘ગોવર્ધનરામ સ્મારક સમિતિ' રચાઈ. એ જમાનામાં પચીસ હજાર
રૂપિયા જેટલી માતબર રકમનું ભંડોળ એકઠું કરીને ગીરવે મૂકાયેલા ગોવર્ધનરામના મકાનને
સમિતિએ પાછું મેળવ્યું અને તેની વ્યવસ્થાનું કામ અ.સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલય ચલાવતા
‘ઉમેદકુમારી મંદિર ટ્રસ્ટ’ને સોંપાયું. ૧૯૫૬થી આજદિન સુધીમાં ત્રણ ત્રણ વખત આ
સ્મૃતિમંદિરમાં મોટાં સમારકામ કરાવીને તેને પડુંપડું થતાં અટકાવાયું છે. વચ્ચેના સમયગાળામાં
સાવ ઉપેક્ષિત દશામાં રહેલા આ સ્મારકને ૧૯૯૦માં નવું રંગરોગાન કરાવીને ફરીથી ખુલ્લું
મુકવામા આવ્યું. ૨૦૦૫માં ‘સાર્ધ શતાબ્દી મહોત્સવ’ નિમિત્તે સ્મૃતિમંદિરનું મોટું સમારકામ થયું.
૨૦૧૪માં
અમેરિકા રહેતા ડૉ. કનુભાઈ તેજુરા અને હંસાબહેન તેજુરાએ અગિયાર લાખ રૂપિયા જેવી માતબર રકમ જિર્ણોદ્ધાર માટે
આપી. મૂળ સૌરાષ્ટ્રના ચલાળા ગામના, પછી આફ્રિકા જઈ વસેલા અને હાલ અમેરિકામાં સ્થાયી ડૉ. કનુભાઈએ પહેલવહેલી
વાર દેશ છોડ્યો ત્યારે ‘સરસ્વતીચંદ્ર’ સિવાય બીજી કોઈ વાચનસામગ્રી તેમની પાસે નહોતી. શાળામાં તેમને આનો એક
ખંડ ભણવામાં આવેલો. બસ, એટલા જોડાણથી પ્રેરાઈને તેમણે સામે ચાલીને સંપર્ક કર્યો અને ઋણ અદાયગીની ચેષ્ટા કરી.
ત્યારબાદ ૨૦૨૨માં આ મકાનના વધુ એક હિસ્સાનો કબજો મળ્યો, જેને કારણે સ્મૃતિમંદિર વધુ
અવકાશયુક્ત અને સુવિધાયુક્ત બની શક્યું. આ સ્થળને હવે એક સાહિત્યિક તીર્થધામ અને
અભ્યાસ કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે, અને તે અનેક સાહિત્યરસિકો કે પ્રવાસીઓના
આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
Click on a photo for expanded view












