ધબકતું સાહિત્યિક ધામ
આ સાહિત્યિક ધામ અનેકવિધ ગતિવિધિઓથી સતત પ્રવૃત્ત રહે છે. વખતોવખત અહીં વિવિધ સાહિત્યિક કાર્યક્રમો
યોજાતા રહે છે. તદુપરાંત વિદ્યાર્થીઓ માટે આ સ્થળ મૈત્રીપૂર્ણ માર્ગદર્શકની ગરજ સારે છે. વયોવૃદ્ધ
સનદી અધિકારી અને નડિઆદના વતની શ્રી કુલીનચંદ્ર પો. યાજ્ઞિક દ્વારા ૨૦૧૩થી અહીં જ
‘સ્ટડી સર્કલ’નો આરંભ થયો છે. દર ગુરુવારે સાંજે યોજાતા આ અભ્યાસવર્તુળમાં વિવિધ વિદ્યાશાખાના
અનેક વિદ્યાર્થીઓ હાજરી આપે છે. વિવિધ વિષયનિષ્ણાતોના માર્ગદર્શનમાં અહીં અનેકવિધ વિષય પર
ચર્ચા યોજવામાં આવે છે. એક નાનકડા હૉલમાં વિશાળ ટી.વી. પડદો પણ છે, જે વિવિધ દૃશ્યશ્રાવ્ય
કાર્યક્રમ, ફિલ્મના આસ્વાદ વગેરે માટે ઉત્તમ સવલત પૂરી પાડે છે. અભ્યાસીઓને તે એક જુદું જ દર્શન
પ્રાપ્ત કરાવી આપે છે અને તેમની શક્તિઓ તેમજ ક્ષમતાને ખીલવે છે.






